ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગઈકાલે ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. ગુજરાતના નવસારી જિલ્લામાં અનેક જગ્યાએ ઘૂંટણ સુધી પાણી રહ્યું હતું. તેમજ દુર્ઘટનાની પણ ઘણી ઘટનાઓ બની હતી. અમદાવાદમાં બાઉન્ડ્રી વોલ ધરાશાયી થતાં એક 16 વર્ષીય કિશોર અને બે મહિલા કામદારોના મોત થયા છે. જયારે, મહારાષ્ટ્રના પુણેમાં એક મકાન ધરાશાયી થયું હતું, જે હેઠળ 11 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. અવિરત વરસાદને કારણે પૂર્ણા અને અંબિકા નદીની જળ સપાટી વધી રહી છે. નવસારી શહેર ઉપરાંત બીલીમોરા અને અન્ય વિસ્તારોમાં ઘૂંટણિયે પાણી છે. વાંસદા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સવારે 8 વાગ્યા સુધીમાં 394 મીમી વરસાદ નોંધાયો છે. NDRFએ સવારે તાપી અને વડોદરા જિલ્લામાં 45 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. જેમાં 18 બાળકો અને બે દર્દીઓનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં ગુરુવારે પણ વરસાદનો કહેર ચાલુ રહ્યો હતો. પુણેમાં એક ઘરની નીચે દટાયેલા 11 લોકોને બચાવી લેવાયા છે. તે બધા ત્રણ અલગ-અલગ ઘરના હતા અને કોઈને ઈજા થઈ ન હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમની ટીમ વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને રાહત કાર્યની સમીક્ષા કરી રહી છે.

ગઢચિરોલીના 29 વરસાદથી પ્રભાવિત ગામડાઓમાંથી 3000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. જિલ્લાની ગોદાવરી, કાલેશ્વરમ અને ઈન્દ્રાવતી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. નદીઓ નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.