રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે રાજકોટમાં સિઝનનો 10 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં વરસાદને પગલે આજી, ન્યારી અને ભાદરમાં નવા નિરની આવક નોંધાઇ છે. આજી 1માં 7 દિવસ અને ન્યારી 1 માં 8 દિવસ ચાલે એટલું પાણી, ભાદરમાં 32 દિવસનો જળ સંગ્રહ જથ્થો ઠલવાયો છે. હાલમાં ચાલુ સીઝનમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી જળ સ્તર ઊંચા આવ્યા છે.

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત જળતરબોળ થયા હોય તેમ સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે મધ્ય અને ઉતર ગુજરાતમાં હળવો-મધ્યમ વરસાદ હતો. જયારે રાજ્યમાં આજથી ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સોમવારથી અમદાવાદમાં ફરી ભારે વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આશંકા જાણવવામાં આવી રહી છે, જેના કારણે સરકાર દ્વારા પહેલાથી જ તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે, હવામાન વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આગામી 5 દિવસ દરમિયાન, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે વાવાઝોડુંની શક્યતા છે.