દેશમાં જવાદ ચક્રવાતનું જોખમ મંડરાઈ રહ્યું છે. હાલમાં જવાદ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયુ છે. જે ચક્રવાતની ઝડપ 100 કિમી રહેવાની ધારણા કરવામાં આવી રહી છે. ત્યારે આ જવાદ ચક્રવાત ભારે વિનાશ સર્જી શકે છે. જેને લઈને ભારતીય હવામાન વિભાગે અનુમાન કર્યું છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ‘જવાદ’ તોફાન આગળ વધી રહ્યું છે. આજથી વાવાઝોડું તીવ્ર બની આગળ વધશે. જેને લઈને આંધ્રના દરિયાઈ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવી છે. ત્યારે NDRFની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

જવાદ ચક્રવાત પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આગામી 6 કલાકમાં ચક્રવાતી તોફાન તીવ્ર બનવાની સંભાવના જણાઈ રહી છે. ઓડિશાના પુરી જિલ્લામાં પહોંચે તે પહેલાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે 64 ટીમો તૈયાર (NDRF teams deployed) કરવામાં આવી છે.

ઓડિશાના વિશેષ રાહત કમિશ્નર પી.કે. જેનાએ જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન બંગાળની ખાડીમાંથી બહાર નીકળતા પહેલા ઓડિશાના પુરી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પહોંચે તેવી શક્યતા છે. વિશાખાપટ્ટનમ, વિઝિયાનાગ્રામ અને શ્રીકાકુલમમાંથી 54,008 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

હવામાન વિભાગે શનિવારે એવી પણ માહિતી આપી છે કે આગામી 12 કલાકમાં ચક્રવાત જવાદ નબળો પડવાની સંભાવના છે. આ દરમિયાન તે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે.