રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસ સુધી હળવો વરસાદ પડશે. આ સાથે જ શુક્રવારે કચ્છમાં અને શનિવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં NDRFની 13 ટીમો અને SDRFની 21 પ્લાટૂન તૈનાત છે.

હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં શનિવારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. મંગળવારે મધરાત 12 સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિત છોટાઉદપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 184 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં કપરાડા, માતર, વસો, નડિયાદ, પોશીના અને મહેમદાવાદમાં 3 થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત હાલોલ, અમીરગઢ, ખેડા, વિજયનગર, કડાણામાં બે થી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. મંગળવારે અરવલ્લીમાં ચાર ઈંચ વરસાદથી શામળાજીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, સાંજ સુધીમાં વરસાદે જોર પકડ્યું હતું.

આ સાથે જ જો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં સિઝનનો 59 ટકા વરસાદ થઈ ગયો છે. 237 તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ થયો છે, જેના પરિણામે રાજ્યમાં કુલ 55.41 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. રાજ્યમાં 30 જળાશયો 100% ભરાયા છે, જ્યારે 207 જળાશયોમાં 54 ટકા પાણીનો સંગ્રહ છે. વરસાદને કારણે પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોમાંથી 60,000 થી વધુ લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે.