વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે આજથી રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થશે. પાંચ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે અને છથી 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી કરવામાં આવશે. 15 જુલાઈથી સ્કૂલની ફાળવણી કરવાની શરૂઆત કરાઈ છે. રાજ્યની દસ હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ એડમિશન આપવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં આવક મર્યાદા દોઢ લાખ રાખવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ 20 હજારની આવક મર્યાદા રખાઈ છે. બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા કરાશે.

અમદાવાદની ડીઈઓ કચેરીના વહિવટી અધિકારીઓએ વાલીઓ માટે મહત્વની સૂચના અપાઈ છે. જેમાં વાલીઓ જે ફોર્મ ભરે અને ડોક્યુમેટ સબમિટ કરે તેની સારી રીતે ચકાસણી કરશે અને બાદમાં ફોર્મ સબમિટ કરાશે. પાછળથી ફોર્મમાં કોઈ સુધારો થશે નહીં.

ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે પણ વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાની તક આપવામાં આવશે. આ વર્ષે અમદાવાદમાં 14 હજાર જેટલા વિદ્યાર્થીઓને RTE હેઠળ ખાનગી સ્કૂલોમાં એડમિશન અપાશે.

RTE હેઠળ નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં અનાથ બાળ, સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓ, બાળગૃહના વિદ્યાર્થીઓ, બાળમજુર કે સ્થળાંતરિત મજૂરોના બાળકો, મંદ બુદ્ધિ કે સરેબલ પાલ્સી ધરાવતા બાળકો, સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસદળના જવાનોના બાળકો સહિત જુદી જુદી 13 કેટેગરીના બાળકોને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવે છે.