શહેરમાં હજુ પણ લોકોની બેદરકારી જોવા મળી રહી છે. સુરતમાં માસ્ક વગર લોકો ફરી રહ્યા છે. જેના કારણે સુરત મનપા દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતું. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોનાના ૫૦૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

સુરતમાં મનપા દ્વારા ચેકિંગ કરતા 127 લોકોને માસ્ક વગર ફરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. માસ્ક વગર ફરતા લોકોને દંડીત કરવામાં આવ્યા હતા. જ્યારે 127 લોકો પાસેથી 1,27,000 નો દંડ વસૂલ કરાયો છે. સરકાર દ્વારા માસ્ક પહેરવું અનિવાર્ય કરાયું છે. છતાં કેટલાક લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જેના લીધે સામે ચાલીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે.

સુરતમાં છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસની વાત કરવામાં આવે તો ૬૪૪ કોરોનાના કેસ સામે આવ્યા હતા. જેમાંથી શહેરમાં ૫૬૩ જ્યારે ગ્રામીણ વિસ્તારમાંથી ૮૧ કોરોના કેસ સામે આવ્યા હતા. આ કારણોસર કોરોનાના કેસની સંખ્યા સુરતમાં ૬૪૪૫૧ પહોંચી ગઈ છે. જ્યારે સુરતમાં ગઈ કાલે ચાર લોકોના મોત નીપજ્યા હતા, જેના લીધે મૃત્યુઆંક ૧૧૭૩ પર પહોંચી ગયો છે.