મોંઘા ઈંધણથી પરેશાન લોકો હવે ઈ-વાહનો તરફ વળી રહ્યા છે. ઈ-પોલીસીની ઘોષણા પહેલા શહેરમાં 1,000 ઈ-વ્હીકલ હતા, ઈ-વ્હીકલ પોલિસીના આઠ મહિનામાં ઈ-વ્હીકલની સંખ્યા વધીને 11,500થી વધુ થઈ ગઈ છે. નવેમ્બર 2021માં, દુબઈમાં યોજાયેલા વર્લ્ડ એક્સ્પોમાં 190 દેશોએ ભાગ લીધો હતો, જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઈ-મોબિલિટી વિષય પર એક ઈવેન્ટમાં “સુરત સિટી ઈ-વ્હીકલ પોલિસી-2021”ની જાહેરાત કરી હતી. આ દેશની પ્રથમ ઈ-વ્હીકલ પોલીસી છે. પોલિસીના આઠ મહિનામાં લોકો ઈ-વ્હીકલ ખરીદવા માટે પ્રેરિત થઈ રહ્યા છે.

દેશમાં ઈ-વાહનોમાં સુરતનો હિસ્સો એપ્રિલ 2022માં 3.0 ટકાથી વધુ હતો. ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશનમાં રાજ્યના તમામ શહેરોમાં સુરત ટોચનું સ્થાન ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ઇલેક્ટ્રિક વાહનોના લક્ષ્યાંકમાંથી 20 ટકા એટલે કે 40,000 ઇલેક્ટ્રિક વાહનો આગામી ચાર વર્ષમાં શહેરમાં હશે. શહેરમાં 150 ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.

આ વર્કશોપનું આયોજન નીતિ આયોગ અને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા સુરત માટે વ્યાપક ઇલેક્ટ્રિક મોબિલિટી પ્લાન વિકસાવવા માટે કરવામાં આવ્યું હતું. નીતિ આયોગે યોજના તૈયાર કરવા માટે સુરત, લખનૌ અને કોલકાતાની પસંદગી કરી હતી. આ અંતર્ગત એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મૂળ હેતુ સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોનો ફેલાવો કરવાનો હતો. કમિશનર બંછાનિધિ પાનીએ ઈ-વ્હીકલ પોલીસી અને ઈ-વ્હીકલનો ઉપયોગ વધારવા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.