રાજકોટમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. બે દિવસ કેસ ઘટ્યા બાદ ફરી કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ માં છેલ્લા 24 કલાક માં 62 દર્દીના મોત થયા છે. જેમના કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. કોરોના થી મોત અંગે ડેથ ઓડિટ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. ગઈકાલે પણ કોરોનાથી 62 દર્દીના મોત થયા હતા. જેમાંથી 11 દર્દીના કોરોના થી મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

હાલ શહેરમાં કુલ કેસની સંખ્યા 36082 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3532 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે બુધવારે 597 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે બપોર સુધીમાં નવા 170 કેસ નોંધાયા છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને લઇને યાર્ડના સત્તાધિશોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં રાજકોટ શાકભાજી માર્કેટ સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. શાકભાજી માર્કેટમાં સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.