સુરતની સિવિલ હોસ્પિટલ કોરોના દરમિયાન ઘણી વિવાદમાં આવી હતી હતી, ત્યારે હવે સુરતની સિવિલ હોસ્પિટલના વોર્ડમાં શ્વાન ફરતા હોવાનો વધુ એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. આ પહેલીવાર નથી આ પહેલા પણ સુરતની સિવિલ હોસ્પિટલમાં આ રીતે શ્વાન ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો જેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા. ત્યારે આજે વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે શ્વાન એક સાથે મોડી રાત્રીએ વોર્ડમાં ફરી રહ્યા છે.

દર્દીઓ ના પલંગ અને ખાસ કરી ને જ્યાં દવા કે પાણી નાસ્તો મુકાયો હોય તે ફેંદી નાખતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દર્દીઓના સગાઓ રાત્રે દર્દીના પલંગ પાસે કે લોબી માં સુતા હોય તેમને પણ શ્વાનઓ હેરાન કરે છે. સાથે સાથે ખોરાકની શોધમાં ભટકતા શ્વાનઓ વોર્ડમાં ડસ્ટબીન ફેંદી નાખી આખા વોર્ડમાં કચરો ફેલાવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મોડી સાંજે કિડની હોસ્પિટલના બીજા માળે દર્દીઓની વચ્ચે એક શ્વાન આટાફેરા મારી રહ્યો હતો પણ નર્સિગ સ્ટાફ કે સિક્યૂરિટી ગાર્ડે પણ શ્વાનને ભગાડવાનું જરૂરી સમજ્યા ન હતા.

જો કે, મોટાભાગના દર્દીઓને સારવાર માટે ડ્રેસિંગ પણ કરવામાં આવેલું હોય છે. આવા સારવાર લેવા માટે આવેલા દર્દીઓને જો શ્વાન કરડી જાય અથવા તો કોઈ નાનું બાળક ત્યાં હોય તો તેને માટે પણ ઘણું જોખમ સાબિત થઈ શકે છે. સવાલ એ છે કે શ્વાન જો દર્દી અથવા તો સાથે આવેલા સંબંધીને કરડી જાય તો જવાબદાર કોણ?