રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ટૂંક સમયમાં વેકેશન પડવા જઈ રહ્યું છે. 9 મેં થી રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશન શરૂ થશે. 12 જૂન સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે 13 જૂન થી રાજ્યની પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે. પ્રાથમિક શિક્ષણ નિયામકનો જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો છે.

છેલ્લા બે વર્ષથી સ્કૂલો કોરોનાના લીધે બંધ રહેવાના કારણે પરીક્ષા સહીતના શેડ્યુલ ખોરવાઈ ગયા હતા. એવામાં હવે આ વર્ષથી સ્કૂલોમાં પરીક્ષા લેવામાં આવી રહી છે અને તેની સાથે વેકેશન સહિતના શૈક્ષણિક કાર્યો પણ સામાન્ય બની ગયા છે. તાજેતરમાં ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે ત્યાર બાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પરીક્ષા લેવાશે અને તે પછી વેકેશન જાહેર કરવામાં આવેલ છે.

નોંધનીય છે કે, આ વર્ષે પ્રાથમિક અને માધ્યમિક એમ બન્નેના વેકેશન એક સાથે શરુ થઈ રહ્યું છે. આમ થવાથી જે વાલીઓના બાળકો પ્રાથમિક તથા માધ્યમિક એમ અલગ-અલગ અભ્યાસ કરતા હોય તેમને પણ વેકેશનમાં કેટલાક આયોજનો કરવામાં સરળતા રહેવાની છે.