પતંગ રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. જેને લઈને આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે ઉત્તરાયણની ઉજવણીમાં પવન વિલન નહી બને. વર્ષ 2022ની ઉત્તરાયણના પતંગરસિકો માટે સારી રહેશે. દિવસભર પવનની ગતિ સારી રહેશે. ઉત્તરાયણના દિવસે 10-15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સવારે ઉત્તરથી પૂર્વ તરફનો પવન રહેશે. બપોરે 2:30 વાગ્યે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશશે. ઉત્તરાયણના દિવસે સવારે ઠંડીનો ચમકારો રહેશે. જયારે કેટલાક શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતા નીચુ રહેશે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ જોવા મળશે. બપોર બાદ પણ પવનની ગતિ 11 કિમી પ્રતિ કલાક રહેશે. વાસી ઉત્તરાયણના દિવસે પણ પવનની ગતિ સારી રહેવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. 10-12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 15 જાન્યુઆરીએ બપોર બાદ પવનની ગતિ ધીમી પડશે.

નોંધનીય છે કે, ઉતરાયણના દિવસે પણ બજારોમાં પતંગ દોરીની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. મકરસંક્રાંતિનો તહેવાર સૌથી વધુ ગુજરાતમાં માનવવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીને કારણે કોરોના ક્રેઝવાળી પતંગો બજારોમાં જોવા મળી રહી છે. જે લોકોમાં પણ કોરોનાના ક્રેઝવાળી પતંગની માંગ વધી છે. આ કોરોનાના ક્રેઝવાળી પતંગોના કારણે લોકોને કોરોના અંગે એક મેસેજ પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે કે કોરોના હજુ પણ આપણી વચ્ચેથી ગયો નથી. એટલે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો સાથે અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે.

જો કે, ઉતરાયણના તહેવારને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે ઉતરાયણમાં જાહેર સ્થળોએ ભેગા મળી પતંગ ચગાવી શકાશે નહીં. માસ્ક સિવાય મકાન, ધાબા, ફલેટ કે અગાસીમાં જઈ પતંગ ચગાવવાના હેતુથી એકઠા થઈ શકાશે નહીં. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો સોસાયટીના સેક્રેટરી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે.