રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧ર ની તમામ શાખાના વિદ્યાર્થીઓની ગુજરાત બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. જ્યારે આ પરીક્ષા માટે અંદાજે 14.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડની પરીક્ષા અપાશે. તેને લઈને એક વાત તો સ્પષ્ટ છે કે, કોરોનાના કહેર ઓછો થતા વિદ્યાર્થીઓ હવે પરીક્ષા આપવા જવાના છે.

ધોરણ-૧૦ ની બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી ૯,૬૪,૫૨૯ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષા તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૦૯/૦૪/૨૦૨૨ સુધી ૧૦:૦૦ કલાકથી ૧૩:૧૫ કલાક દરમ્યાન યોજાશે. સમગ્ર રાજ્યમાં ૮૧ ઝોન, ૯૫૮ પરીક્ષા કેન્દ્રો, ૩,૧૮૨ પરીક્ષા સ્થળો અને ૩૩,૨૩૧ પરીક્ષા ખંડોનો ઉપયોગ થનાર છે.

ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૦૮,૦૬૭ પરીક્ષાર્થીઓ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૨૫,૮૩૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૦૮/૦૪/૨૦૨૨ સુધી ૩:૦૦ કલાકથી ૬:૩૦ કલાક દરમ્યાન યોજાશે.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ સુધી કેટલાક વિષયો માટે ૧૦:૩૦ કલાકથી ૧:૪૫ કલાક અને કેટલાક વિષયો માટે ૩:૦૦ થી ૬:૧૫ દરમ્યાન યોજાશે. સમગ્ર રાજ્યમાં ધોરણ-૧૨ માટે ૫૬ ઝોન, ૬૬૭ પરીક્ષા કેન્દ્રો, ૧,૯૧૨ પરીક્ષા સ્થળો અને ૧૯,૦૨૬ પરીક્ષા ખંડોનો ઉપયોગ થનાર છે.