ગઈકાલે પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 20 માછીમારો પોતપોતાના ઘરે પહોંચ્યા હતા. આ માછીમારો વાઘા બોર્ડરથી વડોદરા થઈ વેરાવળ પહોંચ્યા છે. અહીં મત્સ્યોદ્યોગ વિભાગના પ્રાંગણમાં પરિવારે સૌનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આ દરમિયાન એક ઈમોશનલ સીન પણ જોવા મળ્યો, કારણ કે માછીમારો પાંચ વર્ષ પછી તેમના પરિવારના સભ્યોને મળી રહ્યા હતા.

આ માછીમારોનું 5 વર્ષ પહેલા પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતીય માછીમાર સંઘ દ્વારા તેમને બચાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. મુક્ત થનારા માછીમારોમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના માછીમારોનો સમાવેશ થાય છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના 13, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 6 અને જામનગર જિલ્લાના એક માછીમારનો સમાવેશ થાય છે. 642 ભારતીય માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલમાં બંધ છે.

અરબી સમુદ્રમાં માછીમારી કરતા ઘણા ભારતીય માછીમારો પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા પકડાય છે. ભારતીય માછીમારોની બોટ સાથે અપહરણ કર્યા બાદ માછીમારોને જેલમાં ધકેલી દેવામાં આવે છે. ભારત સરકારના પ્રયાસોથી બંધક બનેલા ભારતીય માછીમારોને સમયાંતરે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. આ ક્રમમાં ગુરુવારે પાકિસ્તાનની જેલમાંથી 20 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક માછીમારે કહ્યું કે હું સખત મહેનત કરીશ, પરંતુ ભવિષ્યમાં ક્યારેય માછલી પકડવાનું કામ નહીં કરું.