રાજ્યના અનેક શહેરમાં કમોસમી વરસાદ, જગતના તાત માટે ચિંતાજનક વાતાવરણ

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાત પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભર શિયાળે ચોમાસાનો અનુભવ કરવાનો વારો આવ્યો છે.
રાજ્યમાં વાવ થરાદ, પ્રાંતિજ, હિંમતનગરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કલોલમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વમાં નરોડા, નિકોલ, જશોદા માં પણ વરસાદ શરૂ થયો છે. વડોદરામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં હળવા છાટા શરૂ થયા છે.
આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠું વરસ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદ વરસશે.
નોંધનીય છે કે, ચોમાસું પત્યા પછી ચાલુ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં નવરાત્રી વખતે અને તે પછી નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદના લીધે ખેડૂતોને ઉભા પાકને તથા લણી લીધેલા પાકને નુકસાન થયાની ફરિયાદો સામે આવી હતી.