દેશની ત્રીજી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર પાટા પર આવી ગઈ છે. એક દિવસ પહેલા ભેંસોના ટોળા સાથે અથડાયા બાદ ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું, જે હવે ઠીક કરવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, અકસ્માતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના આગળના ભાગ અને માઉન્ટિંગ બ્રેકેટને નુકસાન થયું હતું, જેને મુંબઈ સેન્ટ્રલના કોચ કેર સેન્ટરમાં ઠીક કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ટ્રેનના નિર્ણાયક ઓપરેટિંગ ભાગોને અથડામણથી અસર થઈ ન હતી.

મણિનગર જતી વખતે અથડામણ થઈ હતી

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે ગુરુવારે જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સવારે 11.15 વાગ્યે વટવા સ્ટેશનથી મણિનગર જતી વખતે અકસ્માતનો ભોગ બની હતી. બે સ્ટેશન વચ્ચેની રેલ્વે લાઇન પર ભેંસોનું ટોળું આવવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાને કારણે ટ્રેનને થોડીવાર માટે ઘટનાસ્થળે રોકી દેવામાં આવી હતી, બાદમાં તપાસ બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાન પર રવાના કરવામાં આવી હતી.

પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી

દેશની ત્રીજી સ્વદેશી નિર્મિત હાઇ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છ દિવસ પહેલા ગાંધીનગર સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડી રહી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ હાજર રહ્યા હતા.