ખેતી પાકવીમા મુદ્દે દરવર્ષે રૂપાણી સરકાર સામે પ્રશ્નો ઊઠે છે. ગુજરાતમાં હાલ વિધાનસભા સત્ર ચાલુ છે. આજે વિપક્ષે પાકવીમા મુદ્દે પ્રશ્નો ઊઠાવ્યા હતા અને કહ્યું હતું કે, વીમા કંપનીઓ ખેડૂતોના પૈસા ખાઈ ગઈ છે. વીમા કંપનીઓ પ્રત્યે સરકારનું કુણું વલણ જોવા મળી રહ્યું છે.

આ આક્ષેપ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મોટાભાગના ધારાસભ્યોનો મત હતો કે, પાક વીમા કંપનીઓ પ્રીમિયમ ભરવા છતાં વળતર આપતી નથી. એટલે રાજય સરકાર મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના લાવવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા માત્ર 310 કરોડ અમરેલી જિલ્લા માં ખેડૂતોને ચૂકવ્યા છે. ઉનાળુ પાક માટે નર્મદાનું પાણી અમારી સરકારે છોડ્યું છે. ખેડૂતો અમારાથી ખુશ છે એટલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ નો ભવ્ય વિજય થયો છે. રાજય સરકારે ખેડૂતોના હિતમાં નવી પાક વીમા નીતિ જાહેર કરી છે. જેમાં રાજય સરકારે ખેડૂતોને નુકશાન પેટે વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જાણો શું છે નવી પાકવીમા નીતિ ?

પ્રધાનમંત્રી પાક વીમા યોજના ફેબ્રુઆરી, 2016માં કેન્દ્રની મોદી સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાગુ કરાઈ હતી.જેનો હેતુ કુદરતી આપત્તિઓ અને સમસ્યાઓને કારણે ખેડૂતોને ભોગવવો પડતા પાકનુકસાન માટે વળતર ચૂકવવાનો જણાવાયો હતો.આ યોજના જે ખેડૂતોએ લૉન લીધી હોય, જેમણે લૉન ન લીધી હોય, ભાડે ખેતર રાખીને ખેડનાર ખેડૂતો અને પાકવિભાજનની શરતે ખેતી કરતાં ખેડૂતોતમામને પાકવીમાનું રક્ષણ પૂરું પાડવા માટે ઘડવામાં આવી હતી.આમ, નાના-મોટા લગભગ તમામ ખેડૂતોને આ યોજના વડે પાકવીમા યોજના હેઠળ આવરી લેવાયા છે.આ યોજના હેઠળ જુદાં-જુદાં રાજ્યો દ્વારા નક્કી કરાયેલા મુખ્ય અને ગૌણ પાકોની નુકસાની માટે ખેડૂતોને વળતર ચૂકવવાની જોગવાઈ છે.તે સિવાય ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને કારણે થયેલ પાકની નુકસાની માટે પણ વળતર ચૂકવવાનું ઠરાવવામાં આવ્યું છે.