હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચેલા છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકો ઈ – વ્હીકલ તરફ વર્યા છે. લોકો તેની ખરીદી કરવાનો વિચાર પણ કરી રહ્યા છે પરંતુ ઈ રિચાર્જ સ્ટેશન ઓછા હોવાના કારણે લોકો મૂંઝવણમાં છે. પરંતુ સુરતમાં આ મૂંઝવણ દુર કરવા માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.

સુરત મનપા ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા નવી પોલિસી અમલમાં મુકવાનું છે. સુરત શહેરમાં 500 ઇ-રિચાર્જ સ્ટેશન શરૂ કરવામાં આવશે. જેમાં 200 ઇ-રિચાર્જ સ્ટેશન સુરત મનપા સરકારની ગ્રાન્ટ સાથે બનાવવામાં આવશે. જ્યારે 300 ઇ રિચાર્જ સ્ટેશન ppp ધોરણે બનાવવામાં આવશે.

તેની સાથે કેટલીક શરત પણ રાખવામાં આવેલ છે. જેમાં ઇ રિચાર્જ સ્ટેશન માટે 250 ચો મી જમીન હોવી જરૂરી છે. સુરત મનપા ઇ રિચાર્જ સ્ટેશન માટે નોડલ એજન્સીની પણ ભૂમિકા ભજવશે. જ્યારે આ નિર્ણયથી જે લોકો ઈ-વ્હીકલ લાવવાનો વિચાર કરી રહ્યા છે તેમના માટે આ સારા સમાચાર છે. કેમકે ઈ-વ્હીકલથી લોકો પેટ્રોલ-ડીઝલના તોતિંગ ખર્ચાથી છુટકારો મળશે.