ગુજરાતમાં ગ્રામ પંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ ગઈ કાલે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વડોદરા જિલ્લામાં પણ ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પંચાયતના જાહેર થયેલા પરિણામોમાં કેટલીક ગ્રામ પંચાયતોમાં રસપ્રદ પરિણામ પણ સામે આવ્યા છે.

આ દરમિયાન વડોદરા પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી ચૂંટણી જીત્યો હોવાનું સામે આવ્યું છે. રતનપુર ગામે દારૂના ત્રણ ગુનામાં વોન્ટેડ બુટલેગર ચૂંટણી જીત્યો છે. પોતે પોલીસ ચોપડે વોન્ટેડ હોવાથી ટેકેદાર પાસે ઉમેદવારી ફોર્મ ભરાવ્યું હતું.

સરપંચની પેનલમાં વોર્ડ-1 માં સભ્ય બનેલા રાકેશ ઉર્ફે લાલા સામે એક ડઝન જેટલા ગુના નોંધાયા છે. પોલીસ દ્વારા રાકેશ સામે પાસાની દરખાસ્ત પણ તૈયાર કરાઈ હતી. જ્યારે એક વાત સ્પષ્ટ છે ચુંટણીમાં બુટલેગરોએ પોતાની કિસ્મત અજમાવી હતી.

નોંધનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30 ટકા મતદાન થયું હતું. ગઈ કાલે ગુજરાતના 344 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી તેના માટે 19 હજાર 916 લોકો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા હતા.