ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલ એલિસબ્રિજ વિધાનસભા મતવિસ્તાર એ સામાન્ય વર્ગના ઉમેદવારોની બેઠક છે. Ellisbridge બેઠકનો મતવિસ્તાર નંબર 44 છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં એલિસબ્રિજ બેઠક માટે કુલ 8 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ત્રણ મહિલાઓ હતી. 1995થી આ બેઠક સતત ભાજપના કબજામાં છે. એલિસબ્રિજને ગુજરાતમાં ભાજપની સૌથી મજબૂત બેઠક માનવામાં આવે છે.

એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર યોજાયેલી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રાકેશ શાહે કોંગ્રેસના વિજય કુમાર રતિલાલ દવેને 85 હજારથી વધુ મતોની સરસાઈથી હરાવીને જંગી જીત મેળવી હતી. જ્યારે રાકેશ શાહને 1,16,811 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 31,606 મતથી સંતોષ માનવો પડ્યો હતો.

એલિસબ્રિજ બેઠક પર 2017માં કુલ 2,44,140 મતદારો હતા, જેમાંથી 1,21,201 સ્ત્રી, 1,22,919 પુરૂષ અને 2 ત્રીજા લિંગના મતદારો હતા. જેમાંથી માત્ર 1,56,065 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વખતે કોંગ્રેસે અમદાવાદ શહેરની એલિસબ્રિજ બેઠક પરથી ભીખુ દવેને મેદાનમાં ઉતાર્યા છે.

નોંધનીય છે કે, 182 સીટોવાળી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 01 ડિસેમ્બર અને 05 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

ગુજરાતમાં સામાન્ય રીતે સત્તાધારી ભાજપ અને તેની હરીફ કોંગ્રેસ પાર્ટી વચ્ચે સામસામે મુકાબલો થતો હોય છે, પરંતુ આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP)ના ચૂંટણી મેદાનમાં પ્રવેશને લઈને આ મુકાબલો ત્રિકોણીય થવાની સંભાવના છે.