રાજ્યમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. એવામાં હાલ ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજ્યના 4 મહાનગરોમાં સહિત અન્ય જગ્યાઓ પર રોગચાળાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ અને ઝાડા ઊલટીના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજકોટ અને વડોદરામાં રોગચાળાના કેસમાં વધારો થતા હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે. તો કેટલીક હોસ્પિટલોમાં બેડ પણ ફૂલ થઈ ગયા છે. તો ક્યાંક દર્દીઓની જમીન પર સારવાર કરવામાં આવી રહી છે. ચોમાસાની સિઝન દરમિયાન રોગચાળાનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે આ વખતે પણ રાજ્યના અનેક મોટા શહેર રોગચાળાએ ભરડો લીધો છે.

રાજકોટ જિલ્લામાં પણ રોગચાળાએ ભરડો લીધો છે. રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. જિલ્લામાં એક સપ્તાહમાં 9 હજારથી વધુ તાવના કેસ આવ્યા છે. જયારે જિલ્લામાં એક સપ્તાહમાં 25 ડેન્ગ્યુના કેસ આવ્યા છે. શાપર-વેરાવળમાં એક સપ્તાહમાં નોંધાયા 11 ડેન્ગ્યુ ના કેસ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફોગિંગ સહિત ની કામગીરી શરૂ કરાઈ છે.

પાણીજન્ય રોગોએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા થોડા દિવસોથી શહેરમાં રોગચાળો વધુ વકર્યો છે. મનપાની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઈ છે. જેના કારણે એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આ આખા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાનું જોર વધ્યું છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ અને ઝાડા ઊલટીના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજકોટ અને વડોદરામાં રોગચાળાના કેસમાં વધારો થતા હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે. 1 મહિના પહેલાં દર્દીઓની જે સંખ્યા હતી તેમાં આશરે 100 થી 200 નો વધારો થયો છે. સરકારી હોસ્પિટલોની સાથે-સાથે ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. આ અંગે નિષ્ણાંત ડોક્ટરોએ જણાવ્યું હતું કે, કોરોના બાદ તાવે પોતાની તાસીર બદલી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા માત્ર 3 દિવસ માટે વાઈરલ તાવ રહેતો જ્યારે હવે 8-8 દિવસ માટે તાવ રહે છે.