સુરતમાં નવરાત્રિ પર્વે ગરબાની રમઝટ વચ્ચે લોકોમાં ફરી કોરોનાને લઈને ગભરાટ અને ઉચાટ છવાયો છે. ૫ દિવસમાં ૭ વિદ્યાથી કોરોના પોઝિટીવ આવ્યા છે. જેને લઈને ન્યુ સિટીલાઇટનું જ્ઞાનવૃદ્ધિ કલાસીસ બંધ કરવામાં આવ્યું છે. કોવિડ પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં આંશિક વધારો થયો છે. વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટીવ જાહેર થતાં આરોગ્ય તંત્રે કલાસીસ ૧૪ દિવસ માટે બંધ કરાવી દીધું છે. અને આ તમામ ૧૨૫ વિદ્યાર્થીઓને કોરોના ટેસ્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

કોરોનાની બીજી લહેર બાદ પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા તબક્કાવાર સ્કૂલ, કોલેજ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. કોરોનાની કહેવાતી ત્રીજી લહેર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સ્કૂલના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો હોવાથી મનપાની મુશ્કેલીમાં વધારો થયો છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,960 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે. આજે 90,161 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.