રાજકોટમાં કોરોનાનો ફફડાટ વધ્યો છે. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસ આવી રહ્યા છે. ત્યારે મુંબઈ થી આવેલા એક પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝીટીવ આવ્યા છે. વોર્ડ નંબર 9 ના હરિનગર માં બે વૃદ્ધા અને વૃદ્ધ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ એ વેક્સીન ના બે ડોઝ લીધા હોવા છતાં કોરોના થી સંક્રમિત થયા છે. હાલ હોસ્પિટલમાં 2 દર્દી સારવાર લઇ રહ્યા છે.

ગઇકાલે 3 કેસ નોંધાયા હતા અને છેલ્લા 4 દિવસમાં 11 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. કેસ વધવા લાગતા હવે રોજ 2 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવશે. કોર્પોરેશન વિસ્તારમાં હાલ 11 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 42857 પર પહોંચી છે.

નોંધનીય છે કે દિવાળી પછી કોરોનાના કેસોમાં અચાનક વધારો નોંધાયો છે. રાજકોટની જ વાત કરીએ તો, લોકો મોટી સંખ્યામાં હવે દિવાળીની રજાઓ માણીને બહારગામથી પરત ફરી રહ્યાં છે, ત્યારે કોરોના વધુ ના વકરે તે માટે તંત્ર સફાળુ જાગ્યુ છે. કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ ઉપરાંત, શહેરના એન્ટ્રી પોઈન્ટ્સ પર ફરી સઘન ચેકિંગ કરવાની કામગીરી શરુ કરવાની તૈયારી કરી લીધી છે. ગુજરાત રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાથી રક્ષણ મળે તે માટે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.