વડોદરામાં સ્કૂલો બાદ હવે યુનિવર્સીટીમાં કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે. એમએસ યુનિની સોશ્યિલ વર્ક ફેકલ્ટીમાં એક વિધાર્થીની કોરોના પોઝિટિવ આવી છે. જેને લઈને સોશ્યિલ વર્ક ફેકલ્ટીમાં આગામી બુધવાર સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ વિધાર્થીનીના સંપર્કમાં આવેલ તમામ વિધાર્થીઓ અને અધ્યાપકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

રાજ્યમાં બાળકોમાં કોરોના સંક્રમણ સામે આવતા શિક્ષણ વિભાગ એક્શનમાં આવી ગયો છે. શિક્ષણ અંગેની SOP કડક બનાવવા આગામી સમયમાં શિક્ષણ વિભાગ પરિપત્ર કરશે. જો કે થોડા દિવસ પહેલા વડોદરાની સિગ્નસ સ્કૂલના ધોરણ. 6નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ઓમિક્રોનનો આ ત્રીજો કેસ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 12 પર પહોંચ્યો છે.

વડોદરામાં કોરોના કેસોમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકો પણ હવે કોવીડ ગાઈડલાઈનનું પાલન કરતા નથી. માસ્ક વગર પણ લોકો ફરતા દેખાઈ રહ્યા છે.

નોંધનીય છે કે, વડોદરામાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જે આગામી 21 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે. કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોના પગલે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર સ્થળો પર સભા કરવી, સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.