આગામી દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને લોકો ઉજવણી માટે તલપાપડ થઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તહેવારની ઉજવણી કરવા માટેની છૂટ આપવામાં આવી રહી છે પરંતુ સાથોસાથ તહેવારમાં બહાર ફરવા જતા લોકો માટે બંને ડોઝ લીધા હોય તે વ્યક્તિઓને બસ ટ્રાવેલ કરવા માટે છૂટ આપવામાં આવી રહી છે. જો કે હાલમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકાર વચ્ચે લોકોને વધુને વધુ વેક્સિનેશન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી જે લોકોને બીજો ડોઝ મળ્યો નથી. તો તેમની સામે કયા પ્રકારના પગલાં લેવાશે તેને અંગેની કોઈપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સુરત તહેવારોને ધ્યાને રાખી પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીમાં ફરવા જનારા લોકો પાસે વેક્સીનનું સર્ટી હોવું ફરજિયાત છે. શહેરીજનોને વેક્સિનના બંને ડોઝ લેવા તાકીદ કરવામાં આવી છે. ગયા વર્ષે દિવાળી વેકેશન બાદ તરત કેસ વધ્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી ફરવા નહી જઇ શકેલા શહેરીજનો દિવાળી વેકેશનમાં ફરવા જવાના મુડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પાલિકાએ ફરવા ઉપડતા તમામ લોકોને કોરોના વેકસીનના બંને ડોઝ લઇ લેવા તાકીદ કરી છે.

નોંધનીય છે કે આજે ભારતે કોરોના રસીકરણમાં મોટી સિદ્ધી મેળવી છે. દેશમાં કુલ રસીકરણનો આંક 100 કરોડને પાર થઈ ગયો છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ અભિયાન સાથે સંકળાયેલા ડોકટરો, નર્સો, સ્વચ્છતા કામદારો અને અન્ય લોકોને સન્માનિત કરવામાં આવશે.