સુરત શહેરમાં હજુ પણ રેમડેસિવીર ની અછત સર્જાઈ રહી છે. ત્યારે 4147 ઇન્જેક્શનોની કલેકટર પાસે માંગણી કરવામાં આવી છે. જો કે આ માંગ સામે માત્ર 2559 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે. વેન્ટિલેટર ઉપર 279 દર્દીઓ પૈકી 276 દર્દીઓને જ ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. બાઇપેપના 457 માંથી 449 દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. ઓક્સિજનના 3145 માંથી 1824 દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યા
છે. જયારે કોમોરબીડના 10 દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. ઓક્સિજન ઉપરના 50 ટકાથી વધુ દર્દીઓ પર કાપ મૂકવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે છેલ્લાં ચાર દિવસમાં 18થી 45 વર્ષની વયજૂથના નાગરિકોનું રસીકરણ શરૂ થયાં પછી 5.84 લાખ લોકોને કોરોનાની રસી આપી દીધી છે. હાલ દૈનિક 1.20થી 1.30 લાખ ડોઝની દૈનિક સરેરાશથી રસીકરણ ચાલી રહ્યું છે. જો આ જ ગતિથી રસીકરણ ચાલતું રહેશે તો ચાર દિવસમાં જ રસીનો સ્ટોક ખલાસ થઇ જાય તેવી સ્થિતિ છે. રાજ્ય સરકારે કેન્દ્ર અને રસી ઉત્પાદક કંપનીઓને રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 1574 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,22,394 કેસ નોંધાયા છે. આજે વધુ 10 મોત નોંધાતા મૃત્યુઆંક વધીને 1821 પર પહોંચ્યો છે. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,366 પર પહોંચી ગઈ છે. આજે શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવતાં ડિસ્ચાર્જનો આંકડો પણ એક લાખને પાર કરીને 1,02,207 પર પહોંચ્યો છે.