જમ્મુ કાશ્મીરના કતારામાં સુરતના 1700 યાત્રાળુઓ ફસાયા છે. પંજાબમાં ખેડૂત આંદોલનના પગલે તમાંમ ટ્રેનો રદ કરવામાં આવી છે. ત્રણ દિવસના અંતે સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષએ દરમિયાનગીરી કરી સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરી છે. અને ગઈ મોડી સાંજે 1700 યાત્રાળુઓ કતરાથી સુરત આવવા રવાના થયા છે.

જો કે, ખેડૂત વિરોધી કાયદા આંદોલન દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિજનોને કૃષિ લોનની સંપૂર્ણ માફી અને વળતરની માંગ સાથે, ખેડૂતોએ પંજાબમાં વિવિધ સ્થળોએ રેલ ટ્રેક બ્લોક કર્યા છે. જેના કારણે 156 જેટલી ટ્રેન પ્રભાવિત થઇ હતી અને ડિવિઝનના રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, 84 ટ્રેનો રદ કરવામાં આવી છે, અને 47 ટ્રેન ટર્મિનેટ કરવામાં આવી છે. જેના કારણે જમ્મુ કાશ્મીરના કતારામાં સુરતના 1700 યાત્રાળુઓ ફસાયા છે.

આંદોલનકારીઓ નુકસાન પામેલા પાક માટે પ્રતિ એકર રૂ. 50,000નું વળતર, શેરડીના પાક માટે બાકી રકમ મુક્ત કરવા અને કોન્ટ્રાક્ટ સિસ્ટમનો અંત લાવવાની પણ માંગ કરી રહ્યા છે. ફિરોઝપુર, તરનતારન, અમૃતસર અને હોશિયારપુરમાં ખેડૂતો હાલમાં રેલવે ટ્રેક પર બેસીને વિરોધ દર્શાવી રહ્યા છે.