જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. બસ અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, પૂંછના સવજિયન વિસ્તારમાં મિની બસ દુર્ઘટનાનો ભોગ બની હતી. બસ ખાઈમાં પડી, જેના પછી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. બસ અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘણા ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક પણ વધી શકે છે.

ઘણા ઇજાગ્રસ્તોને મંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ પૂંછ જિલ્લાના જ સવજિયાનથી મંડી જઈ રહી હતી.

બસ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. સ્થાનિક લોકો પણ મદદ માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, સેના, પોલીસ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા સંયુક્ત બચાવ અભિયાન ચાલુ છે. તેમણે જણાવ્યું છે કે, 36 મુસાફરોને લઈને બસ ગલી મેદાનથી પૂંછ તરફ જઈ રહી હતી ત્યારે સાવજિયાના સરહદી વિસ્તારમાં બરારી નાળા પાસે બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. પૂંછમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. આ સાથે અધિકારીઓને ઈજાગ્રસ્તને સારી સારવાર આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.