એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેની સક્રિયતા વધારી છે. લિકર પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આજે એટલે કે શુક્રવારે EDએ દેશના 6 રાજ્યોમાં એક સાથે દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, તપાસ એજન્સીએ આ મામલામાં ચેન્નાઈ, નેલ્લોર, બેંગ્લોર અને મુંબઈ સહિત કુલ 40 સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા અને યુપીમાં પણ સર્ચ ચાલુ છે. એકલા હૈદરાબાદમાં 25 જગ્યાએ રેડ પાડવામાં આવી છે.

આ વર્ષે દિલ્હીમાં એક્સાઈઝ કૌભાંડ સામે આવ્યો હતો, જેની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ મામલામાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર પર પહેલાથી જ દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે CBI દ્વારા તેમની પૂછપરછ પણ કરવામાં આવી છે. જયારે, આજે ED આ મામલે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની પણ પૂછપરછ કરવા જઈ રહ્યું છે. ગુરુવારે જ CBI ના વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે સત્યેન્દ્ર જૈનની પૂછપરછની મંજૂરી આપી હતી. કોર્ટના આદેશ અનુસાર, સત્યેન્દ્ર જૈનની તિહાર જેલમાં પૂછપરછ કરવામાં આવશે, જ્યાં તે બંધ છે.

જણાવી દઈએ કે, આ પહેલા 6 સપ્ટેમ્બરે પણ EDએ દેશભરમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. તે સમયે ED દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, લખનૌ અને ગુરુગ્રામ સહિત 30 સ્થળોએ દરોડા પાડવા પહોંચી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)એ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર દારૂની આ નવી નીતિ પર સવાલો ઉઠાવીને કૌભાંડનો આરોપ લગાવ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે કરોડો રૂપિયા માફ કરીને દારૂ માફિયાઓને રાહત આપી છે. કેજરીવાલ સરકારની આ નવી નીતિને કારણે આવકમાં નુકસાન થયું છે.

આ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ઘર્ષણ વધી રહ્યું છે. બંને પક્ષો દ્વારા એકબીજા પર મોટા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ભાજપ સતત વિરોધ કરી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે વેપારીઓને કમિશન ચૂકવવાની એક્સાઈઝ પોલિસીમાં ગોટાળો થયો છે તેમજ લાયસન્સ ધારકોને તેમની ઈચ્છા મુજબ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. આબકારી નિયમોનું ઉલ્લંઘન કરીને દારૂની નીતિના નિયમો બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટી આ મામલાને ખોટો ગણાવીને ભાજપ પર બળજબરીથી ઘેરવાનો આરોપ લગાવી રહી છે.