વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી 1,200 થી વધુ ભેટોની હરાજી શનિવારે શરૂ થઈ હતી. પીએમ મોદીના જન્મદિવસ પર શનિવારે સવારે હરાજી શરૂ થઈ હતી. તેમાં શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ કર્યું, ‘સમય આવી ગયો છે. સવારના 10 વાગ્યા છે અને વડાપ્રધાનની ભેટોની હરાજી હવે શરૂ થઈ ગઈ છે અને લાઈવ થઈ રહી છે. PMmomentos.gov વેબસાઇટ પર નોંધણી કરીને હરાજીમાં જોડાઓ, જેના પર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી વિશેષ ભેટો (હરાજી માટે) રાખવામાં આવી છે.

રેડ્ડીએ શુક્રવારે કહ્યું હતું કે ભગવાન ગણેશની મૂર્તિઓ, અયોધ્યામાં બની રહેલું રામ મંદિર અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની પ્રતિકૃતિઓ પણ વડા પ્રધાનને આપવામાં આવેલી ભેટોમાં સામેલ છે, જેની ઈ-ઓક્શન કરવામાં આવશે. ઈ-ઓક્શનમાંથી મળેલી રકમ ‘નમામિ ગંગે’ મિશનમાં દાન કરવામાં આવશે.

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં જગદગુરુ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમા બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજ આ વર્ષે એપ્રિલમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા. તેમણે મોદીને મોનોલિથિક પથ્થરમાંથી બનેલી નેતાજીની 2 ફૂટ ઊંચી પ્રતિમાનું મોડેલ રજૂ કર્યું હતું.

રેડ્ડીએ જણાવ્યું હતું કે ખેલાડીઓ દ્વારા વડાપ્રધાનને વિવિધ પ્રસંગોએ અપાતી ભેટો પણ હરાજીના ભાગરૂપે હશે. એક અધિકારીએ જણાવ્યું કે આવી 24 ભેટોની હરાજી કરવામાં આવશે. હરાજી 2 ઓક્ટોબરે પૂર્ણ થશે. કેટલીક ભેટ નેશનલ મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટમાં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.