મુંબઈના કુર્લામાં સોમવારે રાત્રે એક ચાર માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના દરમિયાન બિલ્ડિંગમાં 20 થી 25 લોકો દટાઈ ગયા હતા. તેમાંથી મોટાભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે કેટલાક લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે. ઘટનાસ્થળે પહોંચેલા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું છે કે, આ  ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી અને લોકોને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.

વાસ્તવમાં આ ઘટના મુંબઈના કુર્લાના નાઈક નગરની છે. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. ઘટનાની તસ્વીરો જાહેર કરતા ANI એ જણાવ્યું હતું કે, ઘટના દરમિયાન 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.

તેમ છતાં અત્યારે બચાવ કામગીરી ચાલુ છે અને અત્યાર સુધીમાં મોટાભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રાહત કામગીરીમાં મદદ માટે NDRF ને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. સાધનો સાથે NDRF ના જવાનો કાટમાળને હટાવવામાં અને ઇમારતને કાપવામાં રોકાયેલા છે. પોલીસ-પ્રશાસનના અધિકારીઓ દ્વારા બચાવ કાર્ય પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.