મહારાષ્ટ્રના ગોંદિયા શહેર પાસે એક મોટો અકસ્માત સર્જાયો છે. ગોડિયામાં રાત્રીના 2.30 વાગ્યે એક પેસેન્જર ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી, ત્યારબાદ ટ્રેનની એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. માલસામાન ટ્રેન સાથે અથડાતા 50 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. તેમાં પણ 13 મુસાફરો એવામાં પણ છે જેમને ગંભીર ઈજાઓ થઈ છે.

આ ટ્રેન રાયપુરથી નીકળી હતી અને નાગપુર તરફ આવી રહી હતી. દુર્ઘટનાનું કારણ ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન ‘ભગત કી કોઠી’ વચ્ચે સિગ્નલ મળતું ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં, સિગ્નલ ન મળવાને કારણે, બંને ટ્રેનો સામેથી એકબીજાના આગમન વિશે જાણી શકી ન હતી. આ અથડામણમાં ટ્રેનનો S3 કોચ પાટા પરથી ઉતરી ગયો હતો.

આ બોગીમાં બેઠેલા 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત મોડી રાત્રે લગભગ 2.30 કલાકે થયો હતો. જો કે રાહતની વાત એ છે કે આ ભયાનક અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર, સવારે 4.30 વાગ્યે રી-રેલમેન્ટનું કામ પૂર્ણ થયા પછી, અસરગ્રસ્ત ટ્રેન સવારે 5.24 વાગ્યે સ્થળ પરથી નીકળી હતી અને સવારે 5.44 વાગ્યે ગોંદિયા પહોંચી હતી. સાથે જ સવારે 5.45 કલાકે અપ અને ડાઉનનો વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.