ભારતીય વાયુસેનાની 90મી વર્ષગાંઠ નિમિત્તે શનિવારે સવારે ચંદીગઢના એરફોર્સ સ્ટેશન પર એક ઔપચારિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું, જે બાદ માર્ચ-પાસ્ટ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ભારતીય વાયુસેનામાં અધિકારીઓ માટે વેપન સિસ્ટમ્સ વિંગની સ્થાપનાને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે આઝાદી પછી પહેલીવાર વાયુસેનામાં નવી ઓપરેશનલ વિંગ બનાવવામાં આવી રહી છે.

એર ચીફ માર્શલે દાવો કર્યો હતો કે આ શાખાના નિર્માણથી સરકારને ફ્લાઇટ ટ્રેનિંગના ખર્ચમાં ઘટાડો કરીને 3,400 કરોડ રૂપિયાથી વધુની બચત કરવામાં મદદ મળશે. આ કાર્યક્રમમાં એર-ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વેસ્ટર્ન એર કમાન્ડ, એર માર્શલ શ્રીકુમાર પ્રભાકરન અને અન્ય ઘણા વરિષ્ઠ વાયુસેના અધિકારીઓ હાજર હતા.

‘અગ્નિપથ યુવાનોને દેશની સેવામાં જોડવાની તક’

વાયુસેના પ્રમુખે કહ્યું કે અગ્નિપથ યોજના દ્વારા ભારતીય વાયુસેનામાં હવાઈ યોદ્ધાઓનો સમાવેશ કરવો એ આપણા બધા માટે પડકાર છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ આપણા માટે ભારતના યુવાનોની ક્ષમતાનો ઉપયોગ કરવાની અને તેને રાષ્ટ્રની સેવામાં લગાવવાની તક છે. “અમને ભૂતકાળની મહેનત, સમર્પણ અને વિઝનનો ગૌરવપૂર્ણ વારસો મળ્યો છે. આ સ્થિતિ સુધી પહોંચાડનાર આપણા દિગ્ગજ સૈનિકોના યોગદાનને યાદ રાખવા જેવું છે. હવે તેને શતાબ્દીના દાયકામાં લાવવાની જવાબદારી આપણા પર છે.