શ્રદ્ધા વાકર હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ દિલ્હી પોલીસની પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલતા વધુ ઘણા રહસ્યો ખોલ્યા છે. દિલ્હી પોલીસના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આરોપી આફતાબે તેની ઓળખ છુપાવવા માટે શ્રદ્ધાના શરીરના ટુકડા કર્યા બાદ તેનો ચહેરો સળગાવી દીધો હતો. તેણે એવી પણ કબૂલાત કરી છે કે તેણે હત્યા બાદ લાશનો નિકાલ કરવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. આફતાબના મહેરૌલી ફ્લેટનું પાણીનું બિલ 300 રૂપિયા આવ્યું છે, જ્યારે પાડોશીઓનું બિલ શૂન્ય છે. કારણ એ છે કે દિલ્હીમાં 20000 લીટર પાણી મફત છે. પોલીસ જાણવા માંગે છે કે આફતાબે આટલું પાણી ક્યાં ખર્ચ્યું.

બીજી તરફ, પોલીસ શ્રદ્ધાના શરીરના અંગો, હત્યાના હથિયાર અને મોબાઈલની શોધમાં મહેરૌલીના જંગલોમાં તપાસ કરી રહી છે. અત્યાર સુધી અહીંથી શરીરના 13 અંગ મળી આવ્યા છે, જેને ફોરેન્સિક અને ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. 28 વર્ષીય આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના 35 ટુકડા કરી 300 લિટરના ફ્રીજમાં સ્ટોર કરી દીધા હતા. ઘણા મહિનાઓ સુધી તે મૃતદેહના ટુકડાને ધીમે ધીમે જંગલમાં ફેંકતો રહ્યો.

દિલ્હી પોલીસને છતરપુર પહાડી વિસ્તાર અને મહેરૌલી સ્થિત આફતાબના ભાડાના મકાનમાંથી ઘણા પુરાવા મળ્યા છે. ઉદાહરણ તરીકે, ઘરમાંથી કેટલાક કપડાં, લોહીના ડાઘ, એક થેલી મળી આવી છે. જયારે, છતરપુર પહાડી વિસ્તારમાંથી પોલીસના હાથમાં સીસીટીવી ફૂટેજમાં આફતાબની હિલચાલ રેકોર્ડ કરવામાં આવી છે.

આફતાબના ફ્લેટમાંથી મળી આવેલા બ્લડ સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જો આ લોહી માનવનું છે તો પોલીસ શ્રદ્ધાના પિતાને ડીએનએ મેચિંગ માટે દિલ્હી બોલાવી શકે છે. આ સિવાય પોલીસ આરોપી આફતાબના નાર્કો ટેસ્ટ માટે કોર્ટની પરવાનગી લઈ શકે છે. પોલીસ સોમવારે રાત્રે આફતાબને તેના ફ્લેટમાં ક્રાઈમ સીન રિક્રિએશન માટે લઈ ગઈ હતી. દરમિયાન, તેના રસોડામાં લોહીના આ નિશાન મળી આવ્યા હતા. શ્રદ્ધાનું માથું હજુ સુધી મળ્યું નથી. હત્યાના હથિયાર અને મોબાઈલ પણ પોલીસના હાથમાં નથી. પોલીસ વિસ્તારના વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે, જેથી હત્યા સાથે આફતાબનું મજબૂત કનેક્શન સ્થાપિત થઈ શકે.