ત્રણ દાયકા બાદ કાશ્મીર ખીણના લોકો મોટા પડદા પર ફિલ્મો જોશે, 1 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્સ શરૂ થશે

દાયકાઓની લાંબી રાહ બાદ કાશ્મીર ઘાટીના લોકો માટે ફરીથી મોટા પડદા પર ફિલ્મો જોવાનું શક્ય બનશે. જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાનીમાં પ્રથમ મલ્ટિપ્લેક્સ સ્થાનિક લોકો માટે 1 ઓક્ટોબરથી ખોલવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા 20 સપ્ટેમ્બરે આમિર ખાન અને કરીના કપૂર ખાન અભિનીત લાલ સિંહ ચઢ્ઢાની સ્ક્રીનિંગ સાથે મલ્ટિપ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. તેમ છતાં સામાન્ય લોકોએ પહેલી ફિલ્મને મોટા પડદા પર જોવા માટે મહિનાના અંત સુધી રાહ જોવી પડશે.
થિયેટરના માલિક વિકાસ ધરે જણાવ્યું કે, “અમે વિક્રમ વેઘાના વર્લ્ડ પ્રીમિયરનો ભાગ બનવા માંગીએ છીએ અને આ સાથે અમે અમારું થિયેટર સામાન્ય લોકો માટે ખોલીશું.” તેમણે જણાવ્યું કે, તેમાં યુવાનો અને બાળકોને સૌથી આધુનિક સિનેમા મનોરંજનનો અનુભવ આપવા સિવાય અનેક ફૂડ કોર્ટ હશે.
પ્રથમ મલ્ટિપ્લેક્સ સિનેમાનું ઉદ્ઘાટન સ્થાનિક લોકોના મનોરંજન માટે એક નવો અધ્યાય બનવા જઈ રહ્યો છે. INOX દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ, 520 બેઠક ક્ષમતા સાથેનું મલ્ટિપ્લેક્સ, ત્રણ દાયકા પછી કાશ્મીરમાં પ્રથમ સિનેમા હોલ હશે. થિયેટરમાં ત્રણ સ્ક્રીન હશે અને દરરોજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાર શો થશે.
મલ્ટિપ્લેક્સના માલિક વિકાસ ધર, વિજય ધરના પુત્ર છે, જે શ્રીનગરમાં પ્રતિષ્ઠિત ‘બ્રોડવે’ થિયેટરના માલિક હતા. બ્રોડવે થિયેટર 1990 ના દાયકાના મધ્યમાં આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયું હતું. તે કાશ્મીરમાં સૌથી મોટી શૈક્ષણિક સોસાયટી ચલાવે છે જે ફ્રેન્ચાઇઝ સ્કૂલ પણ ચલાવે છે.