સરકાર 1 જુલાઈથી પેકેજ્ડ જ્યુસ અને ડેરી ઉત્પાદનો સાથે મળી આવતા પ્લાસ્ટિક સ્ટ્રો પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. આ પગલાને ધ્યાનમાં રાખીને દેશના સૌથી મોટા ડેરી જૂથ અમૂલે સરકારને પત્ર લખ્યો છે. અમૂલે સરકારને પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રતિબંધને થોડા સમય માટે મુલતવી રાખવા વિનંતી કરી છે. અમૂલે કહ્યું છે કે સરકારના આ નિર્ણયથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાં ખેડૂતો અને દૂધના વપરાશ પર ખરાબ અસર પડશે.

અગ્રણી ડેરી કંપની અમૂલે પર્યાવરણ મંત્રાલયને પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રતિબંધને એક વર્ષ માટે મુલતવી રાખવા વિનંતી કરી છે. કંપનીએ કહ્યું છે કે ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં પેપર સ્ટ્રોની અછત છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક (પ્લાસ્ટિક સ્ટ્રો સહિત) પર સરકારનો પ્રતિબંધ 1 જુલાઈ, 2022થી અમલમાં આવશે.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે, “અમે પર્યાવરણ સચિવને સિંગલ-યુઝ પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રસ્તાવિત પ્રતિબંધ વિશે પત્ર લખ્યો છે. GCMMF તેનું દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો અમૂલ બ્રાન્ડ નામ હેઠળ વેચે છે. સોઢીએ કહ્યું, પ્લાસ્ટિક સ્ટ્રો અમારા બટર મિલ્ક અને લસ્સીના ટેટ્રા પેક સાથે જોડાયેલ છે.

અમૂલને દરરોજ 10 થી 12 લાખ પ્લાસ્ટિક સ્ટ્રોની જરૂર પડે છે. સોઢીએ કહ્યું કે અમે મંત્રાલયને વિનંતી કરી છે કે તેઓ સ્થાનિક ઉદ્યોગને કાગળના સ્ટ્રોના ઉત્પાદન માટે સુવિધાઓ વિકસાવવા માટે એક વર્ષનો સમય આપે. અન્ય એક કંપની પારલે એગ્રોએ પણ સરકારને આવી જ વિનંતી કરી છે. પાર્લેની લોકપ્રિય બ્રાન્ડ્સમાં ‘ફ્રુટી’ અને ‘એપ્પી’નો સમાવેશ થાય છે.