મહારાષ્ટ્રમાં શિવસેનામાં વિભાજન અને એકનાથ શિંદે સીએમ બન્યા પછી પણ મામલો હજી સંપૂર્ણ રીતે થાળે પડ્યો નથી. ગુરુવારે ફરી એકવાર પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને ઝટકો લાગ્યો છે. તાજેતરની ઘટનાઓ અનુસાર, શિવસેનાને લાગેલા આંચકામાં પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલે પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. દરમિયાન, મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેએ સીએમ ઓફિસ પહોંચ્યા બાદ ઔપચારિક રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુલ અમરાવતી લોકસભા બેઠક પરથી સાંસદ હતા પરંતુ 2019માં નવનીત રાણા સામે હારી ગયા હતા. તેમના પુત્ર અભિજિત અડસુલે પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપ્યું હોવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેમના પિતાએ શિવસેનાના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે.

આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેનાના જૂથમાં જોડાશે? આ અંગે આનંદરાવના પુત્ર અભિજીતે કહ્યું કે મારા પિતા શિવસૈનિક બનીને રહેશે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ પાર્ટીમાંથી બળવો કર્યો હતો. પાર્ટીના મોટાભાગના ધારાસભ્યોએ એકનાથ શિંદેનો પક્ષ લીધો હતો. જેના કારણે ઠાકરેની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી ગઈ. જે પછી, એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલેલા રાજકીય ડ્રામા દરમિયાન, સીએમ ઉદ્ધવ ઠાકરેએ 29 જૂનના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું અને તેના એક દિવસ પછી શિંદેએ રાજ્યના સીએમ તરીકે શપથ લીધા હતા. તે જ દિવસે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.