દિલ્હી સરકારે હાલ માટે નવી આબકારી નીતિ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે અને સરકાર સંચાલિત દુકાનો દ્વારા દારૂનું વેચાણ કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે આ માહિતી આપી હતી.

ભાજપ પર સાધ્યું નિશાન

સિસોદિયાએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર કટાક્ષ કર્યો, આરોપ લગાવ્યો કે તેઓ (ભાજપ નેતાઓ) ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો ધંધો ચલાવે છે, અને તેઓ હવે દિલ્હીમાં બરાબર તે જ કરવા માંગે છે. નોંધનીય છે કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પાસે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ પણ છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દિલ્હીના મુખ્ય સચિવને નિર્દેશ આપવામાં આવ્યો છે કે દારૂ હવે માત્ર સરકારી દુકાનો દ્વારા જ વેચાય અને ક્યાંય અરાજકતા ન થાય.

અમે આવું થવા દઈશું નહીં: સિસોદિયા

સિસોદિયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ દારૂની દુકાનોના લાઇસન્સ અને એક્સાઇઝ અધિકારીઓને ધમકાવવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે ઘણા લાઇસન્સધારકોએ હવે તેમની દુકાનો બંધ કરી દીધી છે અને એક્સાઇઝ અધિકારીઓ છૂટક લાયસન્સની ખુલ્લી હરાજી શરૂ કરવામાં ડરી ગયા હતા. સિસોદિયાએ કહ્યું, “તેઓ દારૂની અછત ઉભી કરવા માંગે છે જેથી તેઓ દિલ્હીમાં ગેરકાયદેસર રીતે દારૂનો વેપાર કરી શકે, જેમ કે તેઓ ગુજરાતમાં કરી રહ્યા છે, પરંતુ અમે તે થવા દઈશું નહીં.

નવી આબકારી નીતિ હેઠળ દિલ્હીમાં હાલમાં લગભગ 468 દારૂની દુકાનો કાર્યરત છે. આ પોલિસીનો સમયગાળો 30 એપ્રિલ પછી બે મહિના માટે બે વખત વધારવામાં આવ્યો હતો. આ સમયગાળો 31 જુલાઈના રોજ સમાપ્ત થશે.