કર્ણાટક હાઈકોર્ટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પરના પ્રતિબંધને યથાવત રાખ્યો છે. કોર્ટે બુધવારે (30 નવેમ્બર) PFI પર કેન્દ્રના પ્રતિબંધને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. રાજ્યના PFI નેતાએ કેન્દ્રના નિર્ણયને પડકારતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

જસ્ટિસ એમ નાગપ્રસન્નાની સિંગલ જજની બેન્ચે નાસિર પાશા નામના પીએફઆઈ કાર્યકર્તા દ્વારા તેની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો હતો. પાશા હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. આ પહેલા સોમવારે હાઈકોર્ટે આ મામલે તમામ સંબંધિત પક્ષકારોને સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો. પિટિશનમાં PFI અને તેની આનુષંગિકો પર પાંચ વર્ષના સમયગાળા માટે પ્રતિબંધ લાદવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

અરજદારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટે દલીલ કરી હતી કે, કેન્દ્ર પ્રતિબંધને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ ગયું છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્રએ અપરાધની વિવિધ ઘટનાઓ પર નિર્ણય લીધો છે અને તે બંધારણની કલમ 19 હેઠળ લઘુમતીઓના મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવે છે. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે 2007-08માં પીએફઆઈ કર્ણાટક સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલ છે અને તે સમાજના નબળા વર્ગના સશક્તિકરણ માટે કામ કરી રહી છે.