19 નવેમ્બરે દેશભરની બેંકો રહી શકે છે બંધ, લગ્ન સીઝનમાં ગ્રાહકોને પડશે મુશ્કેલી

એક દિવસ પછી એટલે કે 19 નવેમ્બરે દેશભરની બેંકો બંધ રહી શકે છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે. જો કે, ઓનલાઈન બેંકિંગ અને ATM પર કોઈ અસર પડશે નહીં.
બેંક ઓફ બરોડાએ એક નિયમનકારી નિવેદન જારી કરીને કહ્યું છે કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ ઈન્ડિયન બેંક્સ એસોસિએશનને હડતાળની નોટિસ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના સભ્યોએ 19 નવેમ્બરે હડતાળ પર જવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 19 નવેમ્બરે ત્રીજો શનિવાર છે અને આ દિવસે બેંકો ખુલ્લી રહે છે.
BOB એ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘જોકે, બેંક હડતાલના દિવસે બેંક શાખાઓની કામગીરી સુચારુ રીતે ચલાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હડતાળની સ્થિતિમાં, શાખાઓ અને કચેરીઓના કામકાજને અસર થઈ શકે છે. લગ્નની આ સિઝનમાં બેંક હડતાળના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.