સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC) એ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે ભારતમાં જાસૂસી કરવાના આરોપમાં એક જાસૂસ તપિન્દર સિંહની ધરપકડ કરી છે. SSOC ના AIG અશ્વની કપૂરે કહ્યું કે, માહિતીના આધારે ટીમે બુધવારે રાત્રે ફેઝ-1 માંથી તેની ધરપકડ કરી અને ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને ચાર દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો હતો. તે ચંદીગઢના સેક્ટર-40ડીનો રહેવાસી છે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન SSOC એ કહ્યું કે, તેના તાર પાકિસ્તાનથી કાર્યરત ઘણા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે. તે આઈએસઆઈને ભારત અને પંજાબમાં મોટી સંસ્થાઓ, બેઝ, સંવેદનશીલ સરકારી ઈમારતોના નકશા અને ફોટોગ્રાફ્સ મોકલતો હતો. તેની પૂછપરછમાં અનેક મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. એસએસઓસીએ કોર્ટ પાસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ન્યાયાધીશે દલીલો સાંભળ્યા બાદ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આરોપ છે કે, તપિન્દર સિંહે પંજાબ પોલીસની ઈમારતો, ઓફિસો, પોલીસ સ્ટેશનોની તસ્વીરો અને વીડિયો પણ બનાવીને આઈએસઆઈને મોકલ્યા હતા. એટલું જ નહીં, તે તેમને તેમનું લોકેશન પણ મોકલતો હતો. તેણે SSOC બિલ્ડિંગનો વીડિયો પણ મોકલ્યો હતો જે તેના ફોનમાંથી મળી આવ્યો છે. તેના બદલામાં તપિન્દરને તગડી રકમ મળતી હતી. તેની પાસેથી બે મોબાઈલ મળી આવ્યા છે, જેમાં પાકિસ્તાનના ડઝનબંધ નંબરો મળી આવ્યા છે. તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આરોપી લાંબા સમયથી સોશિયલ મીડિયા એપ દ્વારા ISI એજન્ટ સાથે વાત કરતો હતો. તેના ફોનમાંથી પાકિસ્તાનમાં બેઠેલા એજન્ટો સાથેની ચેટ પણ મળી આવી છે. પોલીસને શંકા છે કે તેના દ્વારા મોકલવામાં આવેલી માહિતીના આધારે તાજેતરમાં જ મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર અને તરનતારનના પોલીસ સ્ટેશન પર હુમલા થયા છે.

તપિન્દર સિંહ ડબલ MA છે. તેણીએ ચંદીગઢની ખાનગી કોલેજમાંથી પંજાબીમાં MA અને પંજાબ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં MA કર્યું છે. તે 2018માં સોશિયલ મીડિયા દ્વારા ISI ના સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર બાદ તેણે તેમના માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે છેલ્લા ચાર વર્ષથી તેમને માહિતી મોકલી રહ્યો હતો. તેણે પૂછપરછ દરમિયાન એ પણ જણાવ્યું કે, અગાઉ તેણે સેના અને અન્ય સ્થળો વિશે માહિતી મોકલી હતી જેને તેણે ડિલીટ કરી દીધી છે.