યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓના એડમિશન લઈને મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યું આ સૂચન

સુપ્રીમ કોર્ટે સરકારને યુક્રેનથી અન્ય દેશોમાં પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓના પ્રવેશની સુવિધા માટે એક પોર્ટલ બનાવવાનું સૂચન કર્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરે થશે.
અગાઉ, આ મામલે જવાબ દાખલ કરતી વખતે, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, કાયદા દ્વારા આ વિદ્યાર્થીઓને ભારતમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ આપવો શક્ય નથી. આ લોકો યુક્રેનમાં તેમની કોલેજમાંથી સંમતિ લઈને બીજા દેશમાં ડિગ્રી પૂર્ણ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, 7 સપ્ટેમ્બરના રોજ નેશનલ મેડિકલ કમિશન (NMC) એ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના એડમિશનને લઈને આદેશ જારી કર્યો હતો. NMC યુક્રેન દ્વારા ઓફર કરાયેલ એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામને માન્યતા આપવા સંમત છે. જો કે, આ વિદ્યાર્થીઓને યુક્રેનની મૂળ યુનિવર્સિટીમાંથી જ ડિગ્રી આપવામાં આવશે. આ સાથે NMC એ આ વિદ્યાર્થીઓને વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કરવાની મંજૂરી આપી હતી.
તેની સાથે રશિયાની ઘણી યુનિવર્સિટીઓ પણ ભારતીય વિદ્યાર્થીઓને તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવા આગળ આવી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારત સરકારે કહ્યું હતું કે યુક્રેનના આ ભારતીય વિદ્યાર્થીઓનો કેસ વિચારણા હેઠળ છે. યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.
વાસ્તવમાં, રશિયાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા પછી ભારત સહિત ઘણા દેશોના મેડિકલ વિદ્યાર્થીઓ તેમના દેશમાં પાછા ફર્યા હતા. આવા ભારતીય વિદ્યાર્થીઓ હવે તેમના દેશની મેડિકલ કોલેજોમાં એડમિશનની માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલે સુનાવણી કરી હતી. આ મામલે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, કાયદા મુજબ આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો શક્ય નથી. વિદ્યાર્થીઓ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમને એક એવી સિસ્ટમ વિશે કહેવામાં આવ્યું છે કે, યુક્રેનિયન કોલેજની સહમતિથી, તેઓ અન્ય દેશમાં તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે અને ડિગ્રી મેળવી શકે છે.