સુપ્રીમ કોર્ટે પયગંબર મોહમ્મદ પરના નિવેદનના મામલામાં નુપુર શર્માને મોટી રાહત આપી છે. કોર્ટે તેની ધરપકડ પર 10 ઓગસ્ટ સુધી રોક લગાવી દીધી છે. આ મામલાની આગામી સુનાવણી પણ તે જ દિવસે નક્કી કરવામાં આવી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી છે જ્યાં તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. આ નોટિસમાં કોર્ટે રાજ્યો અને કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે શા માટે નૂપુર શર્મા વિરુદ્ધ નોંધાયેલા કેસને એક જગ્યાએ ટ્રાન્સફર કરવામાં ન આવે. માનવામાં આવે છે કે રાજ્યો અને કેન્દ્રના જવાબ બાદ કોર્ટ કેસ ટ્રાન્સફર પર નિર્ણય લેશે.

કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અમારા અગાઉના આદેશમાં થોડો સુધારો કરીએ છીએ. અમે નથી ઈચ્છતા કે તમે દરેક કોર્ટમાં જાઓ. નુપુર શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેની વિરુદ્ધ અલગ-અલગ જગ્યાએ 9 FIR નોંધવામાં આવી છે અને તે તમામને એક જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે જેથી તેને દેશના અલગ-અલગ શહેરોમાં ફરવું ન પડે. નૂપુર શર્માના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે તેમના અસીલના જીવને ખતરો છે અને તેમને દરેક જગ્યાએથી ધમકીઓ મળી રહી છે. જેના પર કોર્ટે કહ્યું કે અમે તમારા કાયદાકીય વિકલ્પોને જાળવી રાખવા માંગીએ છીએ.