જો કોઈ ખાનગી કંપનીની ઓફિસમાં સ્ટાફ માટે કેન્ટીન ચલાવવામાં આવે છે, તો સબસિડીવાળા ભોજનની કિંમત પર કર્મચારીઓ પાસેથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લેવામાં આવશે નહીં. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR)ની ગુજરાત બેન્ચે આ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે નોકરીદાતાઓએ સબસિડીવાળા ખાદ્યપદાર્થોના મૂલ્ય પર કર્મચારીઓ પાસેથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાપવાની જરૂર નથી. આ નિર્ણય બાદ ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે ઓફિસની કેન્ટીનમાં ખાવા-પીવાનું સસ્તું પડી શકે છે.

Zydus Lifesciences GST વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો

Zydus Lifesciences એ ઑથોરિટી ઑફ એડવાન્સ રુલિંગ (AAR) ની ગુજરાત બેંચમાં અરજી દાખલ કરી હતી કે શું તેના કર્મચારીઓ કે જેઓ ફેક્ટરી/કોર્પોરેટ ઑફિસમાં ફૂડ સુવિધાનો લાભ લે છે તેમના પગારમાંથી કાપવામાં આવેલી રકમ પર GST વસૂલવામાં આવશે. Zydus એ કેન્ટીન સર્વિસ પ્રોવાઈડર સાથે જોડાણ કર્યું છે. આ હેઠળ, કંપની તેના કર્મચારીઓ વતી તેમના ખોરાકના બદલામાં સંપૂર્ણ રકમ આપે છે. આ વ્યવસ્થામાં, કંપની કર્મચારીઓ પાસેથી પહેલેથી નક્કી કરેલી રકમનો એક ભાગ લે છે, જ્યારે બાકીની રકમ પોતે જ ભોગવે છે.

આ GST કાયદા હેઠળ પુરવઠો નથી: AAR

ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR) એ જણાવ્યું હતું કે, ‘અરજદાર ફેક્ટરી/કોર્પોરેટ ઓફિસમાં ફૂડ ફેસિલિટીનો લાભ લેનારા કર્મચારીઓ પાસેથી સબસિડીવાળી રકમ લે છે. તેને GST એક્ટ, 2017ની જોગવાઈઓ હેઠળ પુરવઠા તરીકે ગણવામાં આવશે નહીં.’ કન્સલ્ટન્સી સહિત વિવિધ સેવાઓ પૂરી પાડતા EYના ટેક્સ પાર્ટનર સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે ખોરાકની કિંમતનો જે ભાગ કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવે છે તેને GST કાયદા હેઠળ સપ્લાય તરીકે ગણવામાં આવશે નહીં. અરજદાર ચુકવણીની પતાવટ કરવા માટે માત્ર મધ્યસ્થી તરીકે કામ કરે છે અને હકીકતમાં એમ્પ્લોયર અને કર્મચારીઓ વચ્ચે કોઈ સપ્લાય થયો નથી.