ગુજરાતના બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં 11 દોષિતોની મુક્તિને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બિલ્કીસ બાનો કેસના દોષિતોની મુક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે ખૂબ જ ભારે સોગંદનામું દાખલ કર્યું છે, જે અમે આજે સવારે અખબારોમાં વાંચ્યું છે. તે જ સમયે, એસજી તુષાર મહેતાએ દલીલ કરી હતી કે અપરાધિક કેસોમાં અજાણ્યા લોકો કોર્ટમાં જઈ શકતા નથી.

અરજદારો વતી કપિલ સિબ્બલે કહ્યું કે ગુજરાત સરકારે એક વિશાળ સોગંદનામું દાખલ કર્યું છે, જેના પર અમે જવાબ આપીશું, પરંતુ અમને તેનો અભ્યાસ કરવા માટે થોડો સમય જોઈએ છે. જયારે, ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અપરાધિક કેસમાં અજાણ્યા લોકો કોર્ટમાં જઈ શકતા નથી. તેમણે કહ્યું કે અરજદારોને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી અને આ દલીલ તમામ અરજદારોને લાગુ પડે છે. અરજદારોને ગુજરાત સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ પર જવાબ દાખલ કરવા માટે સમય આપવામાં આવ્યો છે.

આ પછી, સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રએ એક વિશાળ સોગંદનામું દાખલ કર્યું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું કે રાત્રે જ મોટી એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. અમે સવારે અખબારોમાં તે વાંચીએ છીએ. તેમણે ગુજરાત સરકારને પૂછ્યું કે જવાબમાં આટલા બધા નિર્ણયો કેમ ટાંકવામાં આવ્યા છે, તેમાં તથ્યપૂર્ણ પાસાઓ ક્યાં છે અને વિવેકબુદ્ધિનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે? સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે તે 29 નવેમ્બરે 2002ના બિલકિસ બાનો ગેંગ રેપ કેસમાં 11 દોષિતોને માફ કરવાના નિર્ણય સામેની અરજી પર સુનાવણી કરશે.

ખરેખરમાં, આ કેસમાં 11 દોષિતોને આ વર્ષે 15 ઓગસ્ટે મુક્ત કરવામાં આવ્યા હતા. બિલ્કીસ બાનો કેસના દોષિતોની મુક્તિ પર ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે તેમની અકાળે મુક્તિ વાજબી છે. ગુજરાત સરકારે ‘પ્રિમેચ્યોર રિલીઝ’ સંબંધિત તમામ નિયમોનું પાલન કરીને તેમને મુક્ત કર્યા છે. સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે તેમની મુક્તિ માટે, તેનાથી સંબંધિત 1992ના નિયમો લાગુ થશે.

શું હતો મામલો

નોંધપાત્ર વાત એ છે કે, ગોધરા ટ્રેન આગ પછીના રમખાણો દરમિયાન, 21 વર્ષીય બિલકિસ બાનો પર સામૂહિક દુષ્કર્મ થયો હતો અને તેની ત્રણ વર્ષની પુત્રી સહિત પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. 21 જાન્યુઆરી, 2008ના રોજ મુંબઈની વિશેષ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અદાલતે બિલ્કીસ બાનો પર સામૂહિક દુષ્કર્મ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા માટે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેમની સજાને માન્ય રાખી હતી. આ વર્ષે, ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની ગુજરાત સરકારે માફી નીતિ હેઠળ આ દોષિતોને માફ કર્યા હતા, ત્યારબાદ તેઓને 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ-જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.