પંજાબ સ્થિત લુધિયાણાની કોર્ટમાં થયેલા વિસ્ફોટના સંબંધમાં જર્મનીના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે, બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ જસવિંદર સિંહ મુલતાનીની જર્મનીથી ધરપકડ કરવામાં આવી છે. ભારત સરકારે જર્મનીથી સરકારને અપીલ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મુલતાની ISI ના નિર્દેશ પર કામ કરતો હતો.

 

ગુરુવારના કોર્ટ પરિસરમાં વિસ્ફોટની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને છ અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોર્ટ સંકુલના બીજા માળે આવેલા ટોયલેટમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારે જિલ્લા કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. કોર્ટ સંકુલના બીજા માળે થયેલા બ્લાસ્ટમાં કમ્પાઉન્ડની એક દિવાલને નુકસાન થયું હતું અને ત્યાં પાર્કિંગમાં પાર્ક કરાયેલા કેટલાક વાહનોના કાચ તૂટી ગયા હતા.

 

આ વિસ્ફોટ અમૃતસરના સુવર્ણ મંદિર અને કપૂરથલાના ગુરુદ્વારામાં કથિત તોડફોડના પ્રયાસોની ઘટનાઓના દિવસો પછી બન્યો હતો. આ ઘટનાઓમાં બે લોકોના મોત થયા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન સરહદ નજીક ડ્રોન જોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. અધિકારીઓને શંકા છે કે તેઓએ શસ્ત્રો અથવા વિસ્ફોટકો છોડ્યા હશે.