કેરળના કન્નુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના કાર્યાલય પર હુમલાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ RSS કાર્યાલયની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હુમલાની માહિતી મળતા જ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. ભાજપે આ હુમલાને લઈને પોલીસ પ્રશાસન પર સવાલ ઉઠાવ્યા છે. બીજેપી નેતાઓએ કહ્યું છે કે, RSS ઓફિસ પોલીસ સ્ટેશનની ખૂબ નજીક છે ત્યારે આ હુમલો થયો છે. પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આ હુમલો કોણે કર્યો અને તેની પાછળનો હેતુ શું હતો?

જો કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. RSS કાર્યાલય પર થયેલા આ હુમલા માટે ભાજપે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, રાજ્ય સરકાર આવા હુમલા રોકવામાં નિષ્ફળ રહી છે. આ હુમલાને લઈને ભાજપે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આવી ઘટનાઓ અટકાવવા વહેલી તકે યોગ્ય પગલાં ભરવા ભાજપે પોલીસને માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ પણ વર્ષ 2017માં RSS ઓફિસમાં તોડફોડ અને આગચંપીનો બનાવ બન્યો હતો. તે સમયે માકપા કાર્યકરો પર આ ઘટનાને અંજામ આપવાનો આરોપ હતો. એટલું જ નહીં, આ વર્ષે 24 જૂને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીના કાર્યાલયમાં પણ અજાણ્યા હુમલાખોરોએ તોડફોડ કરી હતી. કોંગ્રેસના કેરળ યુનિટે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) ના કાર્યકરો પર તોડફોડનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, SFI કાર્યકર્તાઓએ ઓફિસમાં તોડફોડ કરવાનું ચાલુ રાખ્યું હતું અને સ્થળ પર હાજર સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ દર્શક બનીને બધું જોતા રહ્યા હતા.