દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે ભારતમાં 84 દિવસ બાદ એક દિવસમાં કોવિડ-19ના 4,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. હવે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,31,68,585 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4041 નવા કેસ નોંધાયા છે અને 2363 દર્દીઓ આ રોગમાંથી સાજા થયા છે. કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો, 21,177 લોકો હજુ પણ સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,041 નવા કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીઓના મોત નીપજ્યા છે, જેનાથી ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,24,651 પહોંચી ગઈ છે. ડેટા અનુસાર, દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 21,177 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.05 ટકા છે. જ્યારે, દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.74 ટકા છે.

ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટ 2020 ના રોજ દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020 ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020 ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020 ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020 ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર થઈ ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને પાર થઈ ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 2 કરોડ અને 23 જૂન, 2021 ના ૩ કરોડના પાર પહોંચી ગયા હતા. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ 4 કરોડને પાર થઈ ગયા હતા.