દેશમાં છેલ્લા થોડા સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. તેની સાથે ઓમીક્રોને પણ હાહાકાર સર્જાયો છે.

તેની સાથે આજે દેશમાં કોરોનાના કેસોમાં ફરીથી વિક્રમી ઉછાળો જોવા મળ્યો છે. ગઇકાલે 2 લાખ 68 હજાર 833 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1.22 લાખ લોકો કોરોનામુક્ત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 14.17 લાખને પાર થયા છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં 402 મોત નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 1 લાખ 22 હજાર 684 લોકો સારવાર દરમિયાન સાજા પણ થયા છે.

જ્યારે કોરોનાના પોઝિટિવિ રેટની વાત કરીએ તો આજે 16.66 ટકા પહોંચ્યો છે. આ સિવાય ઓમીક્રોનના કહેર પણ દેશમાં જોવા મળી રહ્યો છે. અત્યારે દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા 6041 એ પહોંચી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા હવે વધીને 14,17,820 પહોંચી ગઈ છે. જ્યારે આ સમયે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 402 મોત બાદ કુલ આંકડો 4,85,752 પર પહોંચ્યો છે.