કોરોના ફરી એકવાર ભય ફેલાવી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને તેની સાથે ચેપનો દર પણ વધી રહ્યો છે. શુક્રવારે બહાર આવેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, 24 કલાકની અંદર 17,336 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસ અગાઉ 13313 દર્દીઓ સામે આવ્યા હતા. મતલબ કે દેશમાં એક દિવસમાં ચાર હજારથી વધુ કેસ વધી ગયા છે.

તેના સિવાય કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે સક્રિય દર્દીઓમાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં હવે 88,284 સક્રિય દર્દીઓ છે. જ્યારે ગઈકાલ સુધીમાં 83,990 સક્રિય દર્દીઓ હતા. એક દિવસમાં ચાર હજારથી વધુ સક્રિય દર્દીઓમાં પણ વધારો થયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે કોરોના ચેપના સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી હતી. તેમણે ઉચ્ચ કેસ ધરાવતા રાજ્યોમાં બૂસ્ટર ડોઝની ઝડપ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 10 જૂન પછી 12 રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ વધી છે. તેમાં, મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ગોવા, પંજાબમાં સાપ્તાહિક કેસોમાં વધારો નોંધાયો છે.