ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેક્સ્ટ જનરેશનની રસી, જાણો શું હશે તેમાં ખાસિયત

વિશ્વમાંથી કોવિડ-19 રોગચાળો ક્યારેય સમાપ્ત થવાનો નથી, ભારતમાં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ સતત મળી રહ્યા છે. તેના ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો કોરોના વાયરસ સામે રક્ષણ માટે નેક્સ્ટ જનરેશન વેક્સીન પર સતત કામ કરી રહ્યા છે. આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. ટોચના આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું છે કે, દેશમાં કોરોનાને રોકવા માટે રસી બનાવવા માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે.
કોવિડ-19 વર્કિંગ ગ્રૂપ NTAGI ના ચેરપર્સન ડો એનકે અરોરાના જણાવ્યા અનુસાર, “નેક્સ્ટ જનરેશનની રસીનો સંપૂર્ણ ખ્યાલ એ છે કે, આપણે રસીના વારંવાર ડોઝ લેવાની જરૂર નથી. જો આપણે રસી લઈશું, તો તે માત્ર રક્ષણ જ નહીં કરે. તેની સાથે જ ભવિષ્યના વાયરસના નવા સ્ટ્રેનથી રક્ષણ મેળવવામાં સારી રહેશે અને વેક્સીનથી સુરક્ષા લાંબા સમય સુધી બની રહેશે.
ડો. અરોરાએ જણાવ્યું છે કે, આગામી પેઢીની રસી એવી હોવી જોઈએ કે, તેમાં લોકોને ભવિષ્યના વાયરસથી બચાવવાની ક્ષમતા હોવી જોઈએ. કેટલાક લોકો સ્ટ્રેન-સ્પેસીફીક રસી બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક બાયવેલેન્ટ અથવા બે પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને અથવા ચાર પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી લાંબા ગાળાના ફાયદા થાય. તેને બનાવવામાં થોડો સમય લાગી શકે છે.”